ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મુલેર ગામનો એક પરિવાર દરિયાકાંઠે ન્હાવા ગયો હતો જેમાંથી એક છોકરો દરિયામાં ડૂબવા લાગ્યો હતો જેને બચાવવા જતાં પરિવારના એક પછી એક સાતેય સભ્યો ડૂબી ગયા હતા. જોકે તેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યાહ તા.
મુલેર ગામના ગોહિલ પરિવારના લોકો દરિયાકાંઠે ન્હાવા ગયા હતા. લોકો સ્નાન કરી રહ્યા ત્યારે એક છોકરો ડૂબવા લાગ્યો હતો. છોકરાને ડૂબતો બચાવવામાં એક પછી એક પરિવારના અન્ય લોકો પણ દરિયામાં ડૂબવા લાગ્યા હતા. કુલ સાત લોકો ડૂબ્યા હતા તેમાંથી પાંચના મોત થયા હતા જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. દરિયામાં ભરતી આવી હોવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
શુક્રવારે અમાસ હોવાના કારણે ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામના ગોહિલ પરિવારના સભ્યો દરિયાકાંઠે ફરવા ગયા હતા. તેઓ દરિયામાં ન્હાવા પડ્યા હતા. જોકે, ન્હાતી વખતે પરિવારનો એક છોકરો ડૂબવા લાગ્યો હતો. જેને જોઈને પરિવારના સભ્યો તેને બચાવવા ગયા હતા અને એક પછી એક તેઓ પણ ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાને જોતાં જ આસપાસના અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સાતેય જણને બહાર કાઢ્યા હતા જેમાંથી ફક્ત બે જ લોકો બચી શક્યા હતા. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે.
આ ઘટનામાં પરિવારની એક યુવતી બચી ગઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણે આ કરૂણાંતિકા કેવી રીતે બની તે અંગે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે અમે દરિયાકાંઠે ગયા હતા. ત્યારે દરિયામાં ન્હાતી વખતે મારો ભાઈ ડૂબલા લાગ્યો હતો. જેને જોતા બધા તેને બચાવવા માટે દોડી ગયા હતા. જોકે, તે લોકો પણ ડૂબવા લાગ્યા હતા અને દેખાતા બંધ થઈ ગયા હતા. તે જોઈને અમે ડરી ગયા હતા. જેથી અમે મારા મમ્મી-પપ્પાને ફોન કરીને જાણ કરી હતી.
Comments
Post a Comment