સુરતમાં બનશે એવો બ્રીજ જેનાથી 8 લાખ લોકોને મળશે ટ્રાફિકથી રાહત, 120મા બ્રિજનું થશે ઇ-લોકાર્પણ, 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ
સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.118.42 કરોડના ખર્ચે નવનિર્મિત વેડ અને વરિયાવને જોડતા દોઢ કિલોમીટર લંબાઈ ધરાવતા બ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે.સુરતમાં (Surat) આજે 120મા બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ( CM Bhupendra Patel) હસ્તે ઈ-લોકાર્પણ થશે. 118 કરોડ રુપિયાના ખર્ચે બનેલા આ તાપી નદી પરના 15માં બ્રિજથી 8 લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. આ બ્રિજના નિર્માણને કારણે 207 વર્ષ પહેલાનો એક ઈતિહાસ સામે આવ્યો છે. 207 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ કતારગામથી વરિયાવ જવા માટે તાપી નદી અહીંથી જ પાર કરી હતી. ત્યાં જ આ બ્રિજનું નિર્માણ કરાયું છે.
વેડથી વરિયાવ દોઢ મિનિટમાં પહોંચી શકાશે
સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.118.42 કરોડના ખર્ચે નવનિર્મિત વેડ અને વરિયાવને જોડતા દોઢ કિલોમીટર લંબાઈ ધરાવતા બ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે. મુખ્યમંત્રીના હસ્તે જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાનારો 4 લેન બ્રિજથી કતારગામથી વરિયાવ-છાપરાભાઠાનું અંતર ત્રીજા ભાગનું થઈ જશે. 1406 મીટર લંબાઈના આ બ્રિજના ઉપયોગથી વેડથી વરિયાવ સુધીનું અંતર માત્ર દોઢ મિનિટમાં કાપી શકાશે.
સુરતમાં કુલ 120 બ્રિજ થયા
બ્રિજથી આસપાસના અંદાજે આઠ લાખ નાગરિકોને સરળ અને ટ્રાફિકરહિત આવાગમનનો લાભ મળશે. અને તેમના કિંમતી સમય અને ઇંધણની બચત થશે. નાગરિકો સહિત હજારો રત્નકલાકારોને કતારગામથી અમરોલી જવા માટેનો વધુ એક નવો વિકલ્પ મળશે. આ બ્રિજ ખૂલ્લો મૂકાતા જ શહેરમાં રિવર બ્રિજ, ખાડી બ્રિજ, ફ્લાયઓવર બ્રિજ, રેલવે બ્રિજની કુલ સંખ્યા વધીને 120 થઈ જશે.
207 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ સુરતમાં રોકાયા હતા
બ્રિજ અંગે સ્વામીનારાયણ ગુરુકૂળના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ આજથી 207 વર્ષ પૂર્વે ધરમપુરના મહારાણી કુશળકુંવરબાઇના આમંત્રણથી ખાસ ધરમપુર પધાર્યા હતા. આ સમયે ભગવાન સ્વામિનારાયણ વડતાલથી સુરતમાં આગળ થઈને ઉધના રાત રોકાયેલા પછીથી નવસારી ચીખલી થઈને ધરમપુર 16મી જાન્યુઆરી 1816ના દિવસે પહોંચ્યા હતા.
રસ્તામાં ચોર-લૂંટારાની બીક ન લાગે એટલા માટે મહારાણી કુશળ કુંવરબાઈએ ઠેર ઠેર રક્ષકો રાખ્યા હતા. ધરમપુરમાં ભગવાન સ્વામિનારાયણ તેમના પરમહંસો અને હરિભક્તો 19 દિવસ રોકાયા હતો. ઘણા લોકોને વ્યસન તથા અંધશ્રદ્ધાથી મુક્ત કર્યા હતા.
નાવમાં બેસીને તાપી નદી પાર કરી હતી ત્યાં બ્રિજ બન્યો
પ્રભુ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે વળતાં ધરમપુરથી ચીખલી, નવસારી, સુરતના કતારગામ થઈને તાપી નદી ઉતરીને વરિયાવ રાત્રી રોકાયેલા એમ સદગુરૂ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં લખેલુ છે. કતારગામ દરવાજાથી વરિયાવ જતા ભગવાન સ્વામિનારાયણ અને એમની સાથેના સંતો તથા હરિભકતો આ વેડરોડ ઉપરથી વિચર્યા હતા.
યોગાનુયોગ એ જ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુલમાં આપણે સત્સંગ ભજન, કીર્તન કરી રહ્યા છીએ. એથી વધુ આનંદની વાત એ છે કે આજથી 207 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ જે તાપી મૈયાને નાવમાં બેસીને પાર કરેલા તે નદી પર આજે સેતુ ગુરુકુલ બ્રિજ બંધાઈને તૈયાર થયો છે. આપણે પણ હવેથી જ્યારે જ્યારે આ ગુરુકુલ બ્રિજ ઉપરથી આવન જાવન કરીએ ત્યારે 207 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણની પાવન સ્મૃતિને યાદ કરતા રહીએ.
7.5 કિલોમીટરનો ચકરાવો લેવો નહી પડે
વેડ-વરિયાવ બ્રિજના કારણે વાહનચાલકોને હવે કતારગામથી વરિયાવ અને છાપરાભાઠા સુધીનો 7.5 કિલોમીટરનો ચકરાવો લેવો નહી પડે અને માત્ર દોઢથી બે મિનિટમાં આ અંતર કાપી શકાશે. તાપી નદીના સામસામેના છેડે આવેલા કતારગામ-વેડરોડ તેમજ વરિયાવ-અમરોલી-છાપરાભાઠા વિસ્તારોમાં ટ્રાફિકના ભારણને ધ્યાને લઈ આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજથી વરિયાવ વિસ્તારના રહેવાસીઓને ચોકબજાર-અઠવાલાઈન્સ તથા રેલવે સ્ટેશન, લાલદરવાજા જેવાં શહેરનાં મુખ્ય વિસ્તારો સુધી પહોંચવા માટે ખૂબ જ સરળતા થઈ જશે.
આઉટર રિંગરોડ અને હાઈવે સુધીની કનેક્ટિવિટી મળશે
ખાસ કરીને શહેર ફરતે તૈયાર થઈ રહેલા આઉટર રિંગરોડ સહિત નેશનલ હાઈવે સુધીની નવી અને સીધી ટ્રાફિક રહિત કનેક્ટિવિટી મળશે. વાહનચાલકોને આ બ્રિજથી નવો વિકલ્પ મળવાને કારણે કતારગામ ગજેરા સ્કૂલ પાસે આવેલા તાપી નદી પરના અમરોલી બ્રિજ પરનું ટ્રાફિક ભારણ પણ ઘટી જશે. વેડ-વરિયાવ બ્રિજ એ તાપી નદી ઉપરનો 15મો બ્રિજ બન્યો છે.
Comments
Post a Comment