સુરતના કડોદરા વિસ્તારમાં હાલમાં હચમચાવી દે તેવી ઘટના બની હતી. જ્યાં એક બાપે મગજ પર હેરાન સવાર થયો હોય તેમ પત્ની, દીકરી અને ત્રણ દીકરા પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. ધાબા પર ઊંઘવા જેવી વાતમાં તે પત્ની પર ઉશ્કેરાયો હતો અને તેને છરીના ઘા માર્યા હતા. દીકરી બચાવવા ગઈ તો તેની હત્યા કરી હતી.
સુરત: શહેર પોલીસે શુક્રવારે 19 વર્ષની દીકરીની હત્યા તેમજ પત્ની અને દીકરાઓ પર હુમલો કરવાના આરોપમાં 45 વર્ષીય પરપ્રાંતીય મજૂરની ધરપકડ કરી હતી. માતા પર પિતાએ જીવલેણ હુમલો કરતાં તેને બચાવવાનો પ્રયાસ કરનારી દીકરીને આરોપીએ 17 વખત છરીના ઘા માર્યા હતા. આરોપી રામાનુજ સાહૂએ ફરી પત્ની રેખા (40) પર હુમલો કર્યો હતો અને 10 વખત છરીના ઘા માર્યા હતા, આટલું જ નહીં તેની બે આંગળીઓ પણ કાપી નાખી હતી. પોલીસે હત્યા અને પત્ની પર હુમલાના આરોપમાં સાહૂની કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં તેના ઘર નજીકથી ધરપકડ કરી હતી. કાપડની મિલમાં કામ કરતાં સાહૂએ તેની દીકરી ચંદનની હત્યા કરી હતી અને પત્નીને ગંભીર ઈજા પહોંચાડી હતી.
શખ્સે પરિવાર પર કર્યો જીવલેણ હુમલો
હુમલામાં તેમના ત્રણ દીકરા સૂરજ (16), ધીરજ (14) અને વિશાલને (12) પણ માતાને બચાવવાના પ્રયાસમાં ઈજા પહોંચી હતી. રાતે ધાબા પર ઊંઘવા જવા જેવી સામાન્ય બાબતમાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ સાહૂ બહાર જતો રહ્યો હતો અને થોડા સમય બાદ ઘરે આવ્યો હતો, તેણે આ સમયે પત્ની રેખા પર છરીથી હુમલો કર્યો હતો. મા મુશ્કેલીમાં હોવાનું જોઈને ચંદન તરત જ તેની સુરક્ષા માટે દોડી હતી અને તેણે દીકરીને પણ છરીના ઘા માર્યા હતા. 'મૃતક તેની માતાને બચાવવા માટે આવી હતી. દીકરી પર છરીથી કેમ હુમલો કર્યો તે અંગેના કારણનો ખુલાસો આરોપીએ હજી સુધી કર્યો નથી. પરંતુ તેને ગંભીર ઈજા પહોંચતા તે ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામી હતી' તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
શખ્સે પત્નીની બે આંગળી કાપી નાખી
ચંદન જમીન પર ઢળી પડતાં મહિલા પોતાનો જીવ બચાવવા માટે ધાબા તરફ દોડી હતી અને તેના પતિએ તેનો પીછો કર્યો હતો તેમજ ત્યાં જઈને છરી મારી હતી. 'માતાને ઓછામાં ઓછા 10 ઘા વાગ્યા હતા અને તેની બે આંગળીઓ કાપી નાખવામાં આવી હતી. તેની આંગળીઓને જોડવા માટે ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલ તે હોસ્પિટલમાં છે અને સારવાર ચાલી રહી છે. આ સિવાય તેના ત્રણ દીકરા જેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે', તેમ પોલીસે જણાવ્યું હતું. ધાબા પર ઊંઘવા જવા અંગે વિવાદ થયો તે પહેલા તેમની વચ્ચે ચોક્કસ શું થયું હતું તે જાણવા માટે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આરોપીએ હજુ સુધી કોઈ પણ માહિતી ન આપી હોવાથી પોલીસ આગળની તપાસ માટે કસ્ટડી માગે તેવી શક્યતા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
દત્તક લીધેલી દીકરી પર બળાત્કાર
સુરતના અડાજણ વિસ્તારમાં હાલમાં જ બાપે દત્તક લીધેલી દીકરીને હવસનો શિકાર બનાવી હોવાની ઘટના બની હતી. દંપતી નિઃસંતાન હોવાથી છોકરી જ્યારે ત્રણ મહિનાની હતી ત્યારે તેને દત્તક લીધી હતી. હાલ તે નવમા ધોરણમાં ભણે છે. 2021થી બાપ તેના પર કુકર્મ આચરી રહ્યો હતો. છોકરીએ ડરથી કોઈને આ વાત જણાવી નહોતી. પરંતુ એક દિવસ મહિલા તેના પતિને દુર્વ્યવહાર કરતાં જોઈ હતી. તેણે તરત જ તેને બચાવી હતી અને પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં તેણે તેના પતિ (46), નાના ભાઈ (41) અને મોટાભાઈના બે દીકરા સામે ફરિયાદ નોંધાવી હતી.
Comments
Post a Comment