સુરતમાં રખડતાં કૂતરાઓનો આતંક યથાવત્ છે. સુરતમાં નવી સિવિલમાં આ માટે અલાયદુ આદર્શ હડકવાવિરોધી સારવાર કેન્દ્ર શરૂ કર્યું છે. જેમાં રોજ એમાં લાંબી લાઈનો લાગી છે. આ દરમિયાન સુરતમાં એક યુવકને પણ કૂતરું કરડ્યું હતું. રસીનો ડોઝ મિસ ન કરવા માંગતા વરરાજાએ લગ્નના દિવસે પીઠી લગાવેલી હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને હડકવાની રસી લીધી હતી.
સુરત: સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. આ દરમિયાન ડોગ બાઈટના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને નાના બાળકો પર શ્વાન દ્વારા અનેક હુમલાઓ થયા છે. આ બધા વચ્ચે શનિવારે સુરત સિવિલમાં એક વરરાજા પીઠી ચોળેલી હાલતમાં હડકવાની રસીનો ત્રીજો ડોઝ લેવા પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર સુફિયાન પટેલને 6 મેના રોજ કૂતરાએ બચકા ભર્યા હતા. કોસાડના રહેવાસી સુફિયાનના શનિવારે બપોરે લગ્ન થવાના હતા. પરંતુ તે રસીનો ડોઝ મિસ નહોતો કરવા માંગતો હતો એટલે લગ્નના દિવસે જ રસી લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તેને નર્સ દ્વારા હડકવાવિરોધી રસી આપવામાં આવી હતી.
ચાલીને ઘરે જતો હતો ત્યારે કૂતરાંએ પાછળથી આવીને પગ પર બચકાં ભર્યા: સુફિયાન
સુફિયાન પટેલે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI)ને જણાવ્યું કે, 'હું કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો અને રસ્તા પર ચાલતો હતો. અચાનક પાછળથી એક કૂતરો આવ્યો અને મારા પગે બચકાં ભર્યા. હું ઈજા અને હડકવાને લઈને ટેન્શનમાં આવી ગયો હતો, કારણ કે મારા લગ્ન થવાના હતા.'
વરરાજાને રસીની લાઈનમાં જોઈ બધા ચોંકી ગયા
જેથી શનિવારે પીઠી ચોળેળા સફેદ કપડામાં સજ્જ સુફિયાન પટેલ રસી માટે લગભગ 50 લોકોની કતારમાં ઉભો રહ્યો હતો. એક વરરાજા કતારમાં ઉભો છે તે જોતાં, હોસ્પિટલ સ્ટાફે તેને રસી માટે પહેલા પ્રાથમિકતા આપી, જેથી તે વહેલો ઘરે પાછો જઈ શકે
હોસ્પિટલમાં દરરોજ 70 દર્દીઓ રસી લેવા આવી રહ્યા છે
આંકડા પર નજર કરીએ તો શહેરની સરકારી હોસ્પિટલોમાં દરરોજ આશરે 70 નવા દર્દીઓ હડકવા વિરોધી રસી લઈ રહ્યા છે. શિયાળા દરમિયાન શહેરમાં લગભગ મહિને 2000 સરેરાશ કૂતરા કરડવાના કેસો સામે આવ્યા હતા. હવે ઉનાળામાં પણ આની સંખ્યામાં ઘટાડો થયો નથી. સામાન્ય રીતે ઉનાળામાં, કૂતરાઓના વર્તનમાં ફેરફારને કારણે કૂતરા કરડવાના કેસમાં ઘટાડો થાય છે.
ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરીથી 22 માર્ચની વચ્ચે ચાર બાળકોના કૂતરા કરડવાથી મોત થયા છે, જેમાં ત્રણ કેસ શહેરમાં અને એક કેસ સુરત જિલ્લાનો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના આરોગ્ય વિભાગે કૂતરા નસબંધી માટે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કર્યો છે. હવે પાંચ ડોકટરોની ટીમ દરરોજ સરેરાશ 70 નસબંધી કરી રહી છે. SMC પાસે 590 પાંજરા છે જે નસબંધી પછી કૂતરાઓને રાખવા માટે છે.
Comments
Post a Comment